Thursday, March 22, 2012

Leopard is in cage in close house

22-03-2012
Leopard is in cage in close house
Divya Bhaskar By Ramesh Khakhar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-is-in-cage-in-close-house-3000094.html?OF6=

બંધ મકાનમાં દીપડો થયો કેદ, જુઓ તસવીરો

સોમનાથ ટોકિઝનાં છેવાડાનાં વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં ઘૂસી જતાં ચપળતાથી શ્રમિકે આ ઘરનો દરવાજો બંધ કરી દીધો : મોડેથી આવેલી રેસ્કયુ ટીમે ઓપરેશન હાથ ધર્યું

વેરાવળ પંથકનાં ઇણાંજ ગામે ગત રાત્રે સીમ વિસ્તારમાં એક બાળકીને ફાડી ખાધાની ઘટનાને હજુ બાર કલાક પણ નથી થયા ત્યાં આજે સવારે નવેક વાગ્યા આસપાસ વેરાવળ શહેરમાં સોમનાથ ટોકીઝનાં છેવાડા વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં એક દીપડો ઘૂસી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, અહીં ખેતરનાં મજૂરે ઘરનો દરવાજો બંધ કરી દઇ વનખાતાને જાણ કરતા મોડેથી આવેલી સાસણ રેસ્કયુ ટીમે આવી દિપડાને કેદ કર્યો હતો.

પ્રાપ્તવિગતોનુસાર આજે સવારે વેરાવળનાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ બાગે રહેમત સોસાયટી વિસ્તારનાં છેવાડે મીટરગેજનાં પાટાની બાજુમાં આવેલ એક ખેતરનાં પડતર મકાનમાં દપિડો ઘુસી જઇ રૂમમાં બેસી ગયેલ હતો. જ્યારે સવારે ૯ કલાકે ખેતરમાં હનીફ અબ્દ રહેમાન ઢાંડી ઉર્ફે જેલર નામનો શખ્સ પોતાની ભેંસોને લઇને ખેતરમાં ચરાવવા જતા તેનું ધ્યાન ખુલ્લુ પડેલ મકાન પર પડતા તેની બારીમાંથી રૂમમાં બેસેલ દિપડા પર નજર પડતા હનીફ ઉર્ફે જેલેરે તુરંત હિંમત દાખવી મકાનનાં આગળનાં ભાગે આવેલ મુખ્ય દરવાજાને સાંકળ વડે બંધ કરી દિપડાને મકાનમાં પુરી દીધેલ હતો અને બાદમાં તે વિસ્તારમાં રહેતા ખેતરનાં માલિક તથા નગરસેવક હાજી અલતાબ ચૌહાણ, સીદીકભાઇ સોડાવાલા, હાજી એલકેએલ સહિતનાં આગેવાનો ખેતર પર પહોંચી ત્યાં હાજર રહેલ લોકોની ભીડને કાબુમાં કરેલ હતી.

ત્યારબાદ જેલરે ખેતરનાં માલિક અબ્દ રહેમાન હુસેન ચાંગાને જાણ કરેલ હતી. ત્યારબાદ ખેતર માલિકે તુરંત વનખાતાનાં ગાર્ડ વિનુભાઇ અપારનાથીને જાણ કરતા તે તુરંત ઘટના સ્થળે આવી મકાનમાં અને આજુબાજુ તપાસ હાથ ધરી વેરાવળનાં ડીએફઓ પરસાણાને જાણ કરેલ હતી. તેઓ સાસણની રેસ્કયુ ટીમને સાથે લઇને દોડી આવેલ હતા.

સાસણથી આવેલ રેસ્કયુ ટીમે મકાનનાં રૂમની બારીમાંથી એરગન દ્વારા દિપડાને ટનકયુલાઇઝર ઇન્જેકશન મારી દિપડાને બેહોશ કરેલ હતો. રેસ્કયુ ટીમનાં સભ્યોએ મકાનનો દરવાજો ખોલી અંદરથી દિપડાને પકડી પિંજરામાં પુરી કેદ કરેલ હતો. બાદમાં દિપડાને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી લીધેલ હતો.

શહેરમાં દિપડો ઘૂસી જવાની વાત સોમનાથ ટોકીઝ વિસ્તારની સોસાયટીનાં રહેવાસીઓ તથા શહેરીજનોમાં થતા મોટી સંખ્યામાં લોકો દિપડાને જોવા ઉમટી પડેલ હતા.

ત્યારે એક સમયે પોલીસને બોલાવવામાં આવતા પીએસઆઇ વાઘેલા, જેઠાભાઇ સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે આવી ભીડને કાબુમાં લીધેલ હતી.

સવારથી જાણ છતાં રેસ્કયુ ટીમ બપોરે આવી

આજે સવારે ૧૦ વાગ્યાની વનખાતાને જાણ કરવામાં આવવા છતા વનખાતાની રેસ્કયુ ટીમને સાસણથી વેરાવળ આવવામાં ચારેક કલાક જેવો સમય લાગ્યો હતો ? અને રેસ્કયુ ટીમ બપોરે ૩ વાગ્યે ઘટના સ્થળે આવી એકાદ કલાક રેસ્કયુ ઓપરેશન હાથ ધરી દિપડાને કેદ કરેલ હતો. ત્યારે સ્થળ પર હાજર રહેલ લોકોમાં વનખાતાની કામગીરી સામે રોષ સાથે આક્રોશ ઠાલવી રહ્યા હતા.


તમામ તસવીરો : રમેશ ખખ્ખર

No comments:

Previous Posts