Sunday, March 11, 2012

Gujarat sugarcane farm shelter of leopard

11-03-2012
Gujarat sugarcane farm shelter of leopard
Divya Bhaskar By Nimish Thackar
http://www.divyabhaskar.co.in/article/SAU-gujarat-sugarcane-farm-shelter-of-leopard-2959870.html

ગુજરાતમાં શેરડીનાં ખેતરો બન્યાં દીપડાનાં આશ્રયસ્થાનો

૧૮ માસનો પાક લણવાની મોસમ આવે ત્યારે માનવી પર હુમલાનાં બનાવો વધે

ગુજરાતભરમાં દીપડા લગભગ તમામ સ્થળે વસે છે. તે માત્ર જંગલ જ નહીં, રેવન્યુ વિસ્તારમાં પણ વસે છે. રેવન્યુ વિસ્તારોમાં દીપડાનું મનગમતું સ્થળ એટલે શેરડીનું ખેતર. શેરડીનો પાક ૧૮ માસનો હોય છે. એટલો વખત ખેડૂત શેરડીનાં 'વાડ' માં પ્રવેશતો નથી. તેણે ફકત પાણી છોડવાનું હોય છે. આથી દીપડાને કશી ખલેલ પણ પહોંચતી નથી. વળી ખોરાક માટે તેને એટલો વખત નાનાં પ્રાણીઓ પણ આસાનીથી મળી રહે છે.

જૂનાગઢ જિલ્લામાં જ્યારે પણ શેરડી કાપવાની મોસમ આવે ત્યારે દીપડાનાં માનવી પર હુમલો કરવાનાં બનવો વધી જાય છે. છેલ્લા બે માસમાં એકલા સોરઠમાંજ આવા ૧૦ બનાવો નોંધાયા. જે પૈકી ૩ બનાવોમાં દીપડાએ બાળકોનો શિકાર કર્યો હતો.

આવા બનાવો પાછળનાં કારણ અંગે સાસણનાં ડી.એફ.ઓ. ડૉ. સંદીપકુમાર કહે છે, શેરડીનાં વાડમાં ખેડૂતે લાંબા સમય સુધી અંદર પ્રવેશવાનું રહેતું નથી. રેવન્યુ વિસ્તારમાં રહેતા દીપડાને આ સ્થળ ખુબજ માફક આવી જાય છે. દીપડાને સાવજની માફક સમુહમાં નહીં પરંતુ એકલા અટૂલા રહેવું વધુ ગમે છે. શેરડીનાં વાડમાં કુદરતી ઠંડક પણ હોય છે.

સીમ વિસ્તારમાં રખડતા ડુક્કર, શાહુડી, કૂતરાં જેવા નાનાં પ્રાણીઓ શેરડીમાં વધુ પ્રવેશે છે. જે દીપડાને આસાનીથી ખોરાકરૂપે મળી રહે છે. શેરડીનો વાડ બહારથી આપણને ભલે ગાઢ અને ગીચ લાગતો હોય પરંતુ નાનાં પ્રાણીઓએ અંદર પ્રવેશીને તેમાં ઘણું નુકસાન પહોંચાડ્યું હોય છે. દીપડાનો મેટિંગ પીરીયડ પણ તેમાંજ ચાલે છે. અને દીપડી વાડમાંજ બચ્ચાંને જન્મ આપે છે. જ્યારે શેરડી તૈયાર થઇ જાય અને કાપવાની મોસમ આવે ત્યારે વાડ આસપાસ માનવીની ચહલપહલ શરૂ થઇ જાય છે.

જે દીપડાને ભારે ખલેલ પહોંચાડનારી બની રહે છે. તેમાંય જો બચ્ચાંવાળી દીપડી હોય તો મજૂરો પરનું જોખમ સૌથી વધુ રહે છે. શેરડી કાપવાનું શરૂ થતાં દીપડાને પોતાનું 'ઘર' ગુમાવવાનું દુ:ખ તો હોય જ છે. સાથે શેરડી કાપતો માનવી તેનાં ડરનું કારણ બની જાય છે. આથી તે માનવી પર હુમલા કરી બેસે છે.

માછલીની વાસ દીપડાને વધુ આકર્ષે

ગુજરાતનાં મજૂરો માંસાહારી નથી હોતા. પરંતુ પરપ્રાંતીય મજૂરોનો ખોરાક માંસાહાર અને તેમાંયે માછલી વધુ હોય છે. તેઓ માછલી રાંધ્યા બાદ તેનું પાણી આસપાસમાંજ ફેંકે છે. તેની ગંધ દીપડો પારખી ત્યાં આવી ચઢે છે. પરંતુ તેને માછલી ને બદલે માનવી મળે છે.

અસુરક્ષિત રહેણાંક

પરપ્રાંતીય મજૂરો ખુલ્લામાં જ દંગા નાંખીને રહે છે. તેઓ કામચલાઉ કાચાં ઝૂંપડા બાંધે તેમાં પણ વન્યપ્રાણીઓથી બચવા માટે સલામત હોતું નથી. તેમાંયે રાત્રિનાં સમયે ભોજન માટે આવી ચઢતા દીપડા માટે પુખ્ય વયનાં માણસો નહીં પરંતુ નાનાં બાળકો વધુ સહેલો શિકાર હોય છે. શિકારને મોઢેથી પકડી ત્યાંથી ઢસડી જવા માટે તે બાળકો પર પહેલી પસંદગી ઉતારે છે.

જંગલ અને રેવન્યુ વિસ્તારનાં દીપડાનો ખોરાક જુદો

ડૉ. સંદીપકુમાર કહે છે, દીપડા જંગલ અને રેવન્યુ એમ બંને પ્રકારનાં વિસ્તારોમાં રહે છે. બંને પ્રકારનાં દીપડાની ખોરાકની પદ્ધતિ પણ નોખી હોય છે. જંગલનાં દીપડા હરણ-સાબર-ચિત્તલ જેવાં પ્રાણીઓને શિકાર બનાવે છે. જ્યારે રેવન્યુ વિસ્તારનાં દીપડાઓ ગાય-ભેંસનાં મૃતદેહો, ડુક્કર, કૂતરાં, વગેરેને શિકાર બનાવે છે. પરપ્રાંતીયો પર હુમલા વધુ

દીપડા સામાન્ય રીતે પરપ્રાંતીયો પર જ વધુ હુમલા કરવાનાં બનાવો આપણે ત્યાં બને છે. કારણકે, આ લોકોને તેમની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેનો ખ્યાલ હોતો નથી. તેની સામે સ્થાનિક લોકો પર હુમલાનાં બનાવો નથી બનતા એવું નથી. પરંતુ સ્થાનિક લોકો વધુ સતર્ક હોય છે.

No comments:

Previous Posts