Lion walking in Amreli
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lilon-walking-in-amreli-3229483.html?OF2=
એક રાતમાં સિંહોની ચાલવાની ઝડપ સાંભળી છુટી જશે પરસેવો!
- સાવજો શિકાર-પાણી અને ટેરીટરીની રક્ષા માટે સાવજોએ સતત ચાલતા રહેવુ પડે છે
- સમી સાંજ પડતા સૂસ્તી ઉડી જાય છે
- વનરાજાની વોકિંગ ઝડપ: એક રાતમાં ૨૦ થી ૨૫ કીમી સુધી ચાલી નાખે છે
- રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક રાતમાં તેની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડે પહોંચી જાય છે
ગુજરાતની શાનમાં વધારો કરતાં સાવજો આમ તો આખો દિવસ આળસુની જેમ આરામ કરતાં પડ્યા રહે છે પરંતુ હકીકતમાં આ સાવજો આળસુ નથી. રાત પડતાં જ તેની ગતિવિધિ શરૂ થાય છે. શિકાર કે પાણીની શોધ કે પછી ટેરીટરીની રક્ષા માટે ગીરનાં સાવજો રાતભર ચાલતા રહે છે. બાર પંદર કીલોમીટર તો આ સાવજો આમ જ ચાલી નાંખે છે. કેટલાંક સાવજો એક રાતમાં ૩૫ કીમી સુધી ચાલી નાખતા હોવાનું પણ નોંધાયુ છે. અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો એક રાતમાં તેની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડે પહોંચી જાય છે.
આમ ગીરનાં સાવજો ખૂબ ચાલે છે. રાતભર ચાલે છે. દિવસે ક્યાંય બાવળની કાંટમાં આરામ કરતાં સિંહોને કોઇ જુએ તો તેને આળસુ માનવાની ભુલ કરી બેસે પણ સાંજ પડતાં જ તેની સુસ્તી ઉડે છે અને પછી તેની સફર શરૂ થાય છે. ગીરમાંથી જગ્યા ટૂંકી પડતા બહાર નીકળી ગયેલા મોટાભાગના સાવજો અમરેલી જિલ્લામાં વસે છે. આ સાવજો અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને રાજુલા તાલુકાનાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરે છે. આ ઉપરાંત જાફરાબાદ અને બગસરા તાલુકામાં પણ અવારનવાર સાવજો દેખાય છે.
આ સાવજો રાતભર ચાલતા રહે છે. પેટની ભૂખ તેમને ચાલતા રાખે છે. સીમ વિસ્તારમાં પડ્યા રહેતા આ સાવજો ક્યારેક ગામમાં પણ ઘુસી જાય છે. જ્યાં સુધી મારણ ન મળે ત્યાં સુધી ચાલતાં રહે છે. ક્યારેક સવાર સુધી શિકાર હાથમાં ન આવે તેવુ બને ત્યારે પછીની નજર બીજા રાત્રે શરૂ થાય.
માત્ર શિકાર નહિ પાણી માટે પણ સાવજોને ભટકવુ પડે છે. ખાસ કરીને ઊનાળાનાં સમયમાં તો અનેક કીલોમીટર ભટક્યા બાદ સાવજો પાણી સુધી પહોંચી શકે છે. ખેડૂતોએ પાકનાં પીયત માટે કુવાકાંઠે ભરેલી પાણીની કુંડી સિંહ માટે પાણીનો મોટો સોર્સ છે. પરંતુ ઉનાળામાં ખુબ ઓછી વાડીઓમાં પાણીની કુંડી ભરેલી હોય છે.
સિંહોને સતત ચલાવવા માટેનાં આ સિવાયનાં પણ અનેક કારણો છે. તેમાનું સૌથી મોટુ કારણ છે ટેરીટરીની રક્ષા. પોતાની ટેરીટરીમાં કોઇ બીજો સાવજ ઘુસી ન જાય તે માટે સતત તકેદારી રાખવી પડે છે. જેના માટે સાવજો ટેરીટરીની બોર્ડર પર સતત ફરતા રહે છે અને પોતાનાં પેશાબની ગંધ છોડી બોર્ડર બાંધતા રહે છે. લીલીયા પંથકમાં વસતા સાવજો એક જ રાતમાં પોતાની ટેરીટરીનાં એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે. આ સાવજો એક રાતમાં બારથી પંદર કીમી આરામથી ચાલી નાખે છે.
મહદઅંશે તે એક રાતમાં ૨૦ થી ૨૫ કીમી ચાલી નાખે છે પરંતુ આ સાવજો એક જ રાતમાં ૩૫ કીમી સુધી ચાલી ગયા હોવાનું પણ નોંધાયુ છે. ખોરાક, પાણી, સંવનન, પરિવાર અને ટેરીટરીની રક્ષાએ સાવજોનું મુખ્ય કામ છે. તેવી જ રીતે આ બધા માટે સતત ચાલવુ એ પણ સાવજો માટે અનિવાર્ય બની ગયુ છે.
No comments:
Post a Comment