Monday, December 26, 2011

ગીર જંગલના વન્યપ્રાણીઓની પરિવાર સાથે અનોખી 'લાગણી'

26-12-2011
ગીર જંગલના વન્યપ્રાણીઓની પરિવાર સાથે અનોખી 'લાગણી'
Bhaskar News Una By Jayesh Gondhiya
http://www.divyabhaskar.co.in/article/SAU-cowherds-live-life-and-care-of-jungles-animal-in-gir-2673266.html

- ગીરનાં જંગલમાં માલધારીઓ વન્ય પ્રાણીનું જતન પરિવારજનની જેમ કરે છે

- 'નેસડા'ની મુલાકાત તમારી ગિરની મુલાકાત સાર્થક બનાવી દે


ગીરનાં જંગલમાં વસતા માલધારીઓ, વન્ય પ્રાણીઓ, વૃક્ષ-વનસ્પતિ, વગેરેને એકમેકથી જુદા પાડી શકાય તેવા નથી. આ જંગલમાં પક્ષીઓનાં કલરવ, ખળખળ વ્હેતા પાણી, સિંહોની ડણક, વન્યપ્રાણીઓની અવરજવર વચ્ચે વસવાટ કરતા માલધારીઓને નિહાળીએ એટલે શરીરમાં એક નવીજ ઉર્જાનો સંચાર થઇ જાય. સિંહ એટલે શહેરમાં વસવાટ કરતા લોકો માટે નવાઇનો વિષય. પરંતુ અહીં સાવજ એટલે જાણે કે 'સાખ પાડોશી'. જંગલમાં તમને માલધારીઓનાં નેસડામાં ગાય-ભેંસોની સાથે હરણનાં બચ્ચાંનો ઉછેર થતો જુઓ તો નવાઇ ન પામતા.

જીહા, ઊના પાસેનાં ખજૂરી નેસમાં એક માલધારી પરિવાર વસે છે. નનાભાઇ વણજાર એટલે પરિવારનાં 'મોભી'. સિંહ, દીપડા, હરણ, જેવાં વન્યજીવો પ્રત્યેની અતૂટ લાગણી આપણને તેમની સાથેની વાતચીતમાં અનુભવાય. આ પરિવાર જ્યાં વસે છે એ ઘટાટોપ જંગલ વચ્ચે જવા માટે ન તો પાકી સડક છે ન તો વાહન વ્યવહારની કોઇ સુવિધા. જંગલનાં મુલાકાતીઓને ક્યારેક સાથેનો ગાઇડ બતાવે ત્યારે ખ્યાલ આવે કે તેઓ 'વનકેસરી'ની સામે માત્ર થોડા ફૂટ છેટે ઉભા છે. ગીચ ઝાડી વચ્ચેથી સિંહ તેમને નિહાળતો હોય એ વાતની ફકત ગાઇડને જ ખબર હોય છે. પરંતુ નનાભાઇનાં પરિવારજનો પૈકી તમને કોઇ એમ કહે કે, હમણાં 'સાવજ' અહીંથી નીકળવો જોઇએ. અને ખરેખર થોડીવારમાં સાવજ ત્યાંથી પસાર થાય જ.

અહીંનાં લોકોને જાણે કે સિંહો સાથે 'ટેલપિથી'ની માફક એકબીજાનો અણસાર આવી જ જાય. ખજૂરી નેસમાં ૭ માલધારી પરિવારો તેમનાં કુલ ૭૦ માલઢોર સાથે વસવાટ કરે છે. તેઓ તેમનાં ઝૂંપડામાં છેલ્લા ૧ વર્ષથી હરણનું એક બચ્ચું આવે છે. નનાભાઇનાં પરિવાર માટે તો જેવા માલઢોર તેવું જ આ હરણનું બચ્ચું. નાનું બાળક ભૂખ લાગે ત્યારે માતા પાસે દૂધ માંગે તેમ આ બાળ હરણ પોતાનાં સમયે અહીં આવી ચઢે છે. અને ખરેખર, તેનાં માટે નાનાં બાળકની માફક જ દૂધની બોટલ તૈયાર જ હોય. તો સવાર પડતાં આ ઝૂંપડાનાં 'આંગણે' મોરનો ટહૂકો સાંભળી મન 'તરબતર' થઇ જાય. આ મોર જો 'મોડો' પડે તો નનાભાઇનાં પરિવારજનો ચિંતાતૂર બની જાય. મોર અહીં આવી કલાકો સુધી નેસની આસપાસ 'આંટા' ન મારે તો અહીંનાં લોકોને પોતાની દીનચર્યામાં કશુંક 'ખૂટતું' હોય તેવું લાગે. માલધારીઓની વન્યપ્રાણીઓ સાથેની લાગણી જાણવા તો ત્યાંજ જવું પડે. આવા 'નેસડા'ની મુલાકાત તમારી ગિરની મુલાકાત સાર્થક બનાવી દે.

'તમને સિંહ-દીપડાની બીક ન લાગ ?' એ સવાલ તમને કોઇ શેરીનાં કૂતરાંથી લાગતી બીક જેવો જવાબ તેમની પાસેથી મળે. તેઓ કહે છે, અમને જ્યારે કોઇ સિંહનાં મૃત્યુનાં સમાચાર જાણવા મળે ત્યારે કોઇ પરિવારજને અમારી વચ્ચેથી વિદાય લીધી હોય તેવી લાગણી થાય. યંત્રવત શહેરીજીવનની એક પણ નકારાત્મક બાબત તમને અહીં જોવા ન મળે.

વનવિભાગ પણ લાગણી ધરાવે -

વનવિભાગની જવાબદારી વન્યપ્રાણીઓનું જતન કરવાની છે. વન્યપ્રાણીઓની સાથે માલધારીઓનું જીવન, તેમની દૈનિક પ્રવૃત્તિઓ હવે વનકર્મચારીઓનાં જીવન સાથે પણ વણાઇ ગયાં છે. ઘણાં વનઅધિકારીઓ માલધારીઓ ગિરની પ્રકૃતિનો એક ભાગ હોવાનું કહે છે. તેઓ કહે છે તેઓ છે તો સિંહનું સંવર્ધન આસાનીથી થાય છે.


No comments:

Previous Posts