Sunday, December 18, 2011

ધારી નજીક કિશોરી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

18-12-2011
ધારી નજીક કિશોરી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
Bhaskar News, Amreli
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-trapped-in-cage-who-attacked-on-girl-near-dhari-2649823.html


ધારી તાલુકાના ભરડ ગામે ચારેક દિવસ પહેલા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડાએ ઘરમાં ઘુસી એક કિશોરી પર હુમલો કરી ઘાયલ કરી દેતા ગામમાં ફફડાટ ફેલાયો હતો. આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠતા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં જેમાં ૪૮ કલાકમાં આ દિપડો પાંજરે પુરાઇ જતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગીરકાંઠાળ વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ, દિપડાઓ ગામમાં ઘુસી આવે છે અને દુધાળા પશુઓ તેમજ માણસો પર હુમલા કરે છે. ધારીના ભરડ ગામે ચારેક દિવસ પહેલા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડો જીતુભાઇ બોરીચાના ઘરમાં ઘુસી ગયો હતો અને ઘરમાં સુતેલી તેની ૧૩ વર્ષની પુત્રી મેના પર હુમલો કર્યો હતો.

દિપડાએ હુમલો કરી મેનાને મોઢા અને પેટના ભાગે દાંત ઘુસાડી દીધા હતા. રાડારાડ મચી જતા ઘરમાં સુતેલો પરિવાર જાગી જતા દેકારો બોલાવતા દિપડો કિશોરીને મુકીને નાસી ગયો હતો.

આ બનાવ બનતા ગામ લોકોએ આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા માંગણી કરતા વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. આરએફઓ વણપરીયાની સુચનાથી સ્ટાફ દ્વારા પાંજરા ગોઠવવામાં આવતા ૪૮ કલાકમાં દિપડો પાંજરે પુરાઇ ગયો હતો.

આ માનવભક્ષી દિપડાને મેડીકલ તપાસ માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. દિપડો પાંજરે પુરાઇ જતા આ વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. આ વિસ્તારમાં દિપડાનો ત્રાસ વધ્યો છે.

No comments:

Previous Posts