Monday, December 26, 2011

અમરેલીના લીલીયામાં સાવજો બન્યા ‘ચીડીયા’

26-12-2011
અમરેલીના લીલીયામાં સાવજો બન્યા 'ચીડીયા'
Bhaskar News, Liliya
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-lion-is-being-eager-in-liliya-2677261.html?OF11=

- લોકોના કાંકરીચાળાને કારણે સાવજોને મારણ અધુરૂં મૂકવુ પડે છે

- સાવજ મારણ કરે તે સાથે જ સિંહ દર્શન માટે ભીડ ઉમટી પડે છે


લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં વસતા ૨૪ જેટલા સાવજોને હવે માણસ દ્વારા કરાતી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના સાવજો જાણે ભગવાન ભરોસે જીવી રહ્યાં છે. અહી જ્યારે પણ સાવજો દ્વારા મારણ કરવામાં આવે છે ત્યારે સિંહ દર્શન માટે લોકોનો મોટો સમૂહ ઉમટે છે. અનેક લોકો કાંકરીચાળો પણ કરે છે. જેને પગલે આ સાવજો હવે ચીડીયા સ્વભાવના બની ગયાં છે.લોકોની કનડગતના કારણે સાવજોને મારણ અધુરૂ મુકીને ભાગી જવુ પડે છે.

લીલીયા પંથકના ક્રાંકચ શેઢાવદર વગેરે ગામની સીમમાં વસતા સાવજોની સુરક્ષા માટે સરકારે વહેલી તકે ઉપાય શોધવાની જરૂર છે. આ વિસ્તારમાં પાછલા એક દાયકાથી સાવજોનો વસવાટ છે. અગાઉ અહીં સાવજોની વસતી ન હતી. પરંતુ એકાદ દાયકા પહેલા અહીં શેત્રુજીના કાંઠે આગળ વધતાવધતા સાવજો અહીં પહોંચી ગયા હતા. ત્યારથી સાવજોને આ નવું ઘર ફાવી ગયું છે.

હાલમાં અહીં સાવજોની વસતી ૨૪ જેટલી છે. આ સાવજો દ્વારા મારણની ઘટનાઓ સતત બનતી રહે છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે આ તમામ સાવજો રેવન્યુ વિસ્તારમાં વસી રહ્યાં છે. જેને પગલે મારણની ઘટના બને કે તુરંત લોકોને ખબર પડી જાય છે. પરિણામે મારણ કરતા સાવજને જોવા માટે દરેક સ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડે છે. સિંહ દર્શન માટે એકઠા થયેલા લોકો આ સાવજોને હેરાન પરેશાન કયેg રાખે છે. લોકો દ્વારા સતત કરાતા કાંકરીચાળાને પગલે હવે સાવજો ચીડીયા બની ગયા છે. ગમે ત્યારે લોકો સામે ઘુરકીયા કરે છે.પાછળ પણ દોડે છે.

લોકોની હેરાનગતિના પગલે સાવજોને મારણ અધુર મુકીને ચાલ્યુ જવુ પડે છે.મેટિંગ પીરીયડ દરમીયાન સાવજો એકદમ આક્રમક બની જાય છે. પરંતુ લોકો તેની પરવા કરતા નથી જેને પગલે ગમે ત્યારે જોખમી સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.

સાવજના દર્શન માટે લોકો અહીં ટ્રેકટર, રીક્ષા, કાર કે મોટરસાયકલ જેવા વાહનોમાં આવે છે.ખારાટ વિસ્તારમાં લોકો ક્રાંકચ, શેઢાવદર, બવાડી, બવાડા, ભોરિંગડા, ટિંબડી, લોંકી વગેરે ગામની સીમમાં છેક બીડ વિસ્તારમાં પહોંચી જાય છે. અહીં સરકાર દ્વારા ઉચીત પગલા લેવાય તે જરૂરી છે.

વન ખાતામાં સ્ટાફની અછત - લીલીયા વિસ્તારમાં વન ખાતાના સ્ટાફની ભારે અછત છે.અહીં સામાજીક વનીકરણ વિભાગનો સ્ટાફ કાર્યરત છે. પરંતુ સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. વળી આ સ્ટાફ પર ૩૭ ગામના સામાજીક વનીકરણની જવાબદારી પણ છે.જેથી તેઓ સાવજોના રક્ષણ માટે પુરતો સમય ફાળવી શકતા નથી. એક દાયકા પહેલા બંધ કરાયેલી નોર્મલ વન વિભાગની કચેરી ફરી શરૂ કરવી જરૂરી છે.

No comments:

Previous Posts