Saturday, December 17, 2011

ખાંભા નજીક દિપડાએ ઘરમાં ઘુસી વાછરડીને કરી ઘાયલ

17-12-2011
ખાંભા નજીક દિપડાએ ઘરમાં ઘુસી વાછરડીને કરી ઘાયલ
Bhaskar News, Khambha
http://www.divyabhaskar.co.in/article/SAU-heifer-injured-by-leopard-to-enter-forcely-in-house-near-khambha-2646983.html


- નાની ધારીમાં અગિયાર સાવજોના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ખાંભા પંથકમાં સિંહ અને દિપડાઓ દ્વારા દુધાળા પશુઓ પર હુમલાના બનાવો વધી રહ્યાં છે. અવારનવાર સિંહ અને દિપડાઓ ગામમાં ઘુસી આવે છે અને પશુઓને ફાડી ખાય છે. ગતરાત્રીના ખાંભાના મહાદેવપરામાં એક દિપડો ઘરમાં ઘુસી આવ્યો હતો અને એક વાછરડી પર હુમલો કરી ઘાયલ કરી દીધી હતી. આ ઉપરાંત નાની ધારી ગામે અગિયાર સાવજોના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે.

ખાંભા શહેર સહિત ગામડાઓમાં અવારનવાર સિંહ અને દિપડાઓ જંગલમાંથી આવી ચડે છે અને દુધાળા પશુઓનો શિકાર કરે છે. ગતરાત્રીના ખાંભાના મહાદેવપરામાં રહેતા દેવરાજભાઇ દામજીભાઇ કલસરીયાના ઘરમાં એક દિપડો ઘુસી આવ્યો હતો અને ઘરમાં બાંધેલ વાછરડીને ગળેથી પકડી ઘાયલ કરી દીધી હતી.

વાછરડી ભાંભરડા નાખવા લાગતા દેવરાજભાઇ જાગી ગયા હતા અને દિપડાને હાકલા પડકારા કરતા દિપડો નાસી ગયો હતો. દિપડો ગામમાં આવી ગયાની વાત ફેલાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દિપડાને પકડવા લોકોએ અનેક વખત વનવિભાગને રજુઆત કરી છે પરંતુ વનવિભાગ દ્વારા આ દિપડાને પકડવા કોઇ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આ ઉપરાંત નાની ધારી ગામે થોડા દિવસથી અગિયાર સાવજોના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે.

No comments:

Previous Posts