Friday, November 25, 2011

રેવન્યુ વિસ્તારોમાં વસતા સાવજોનો કાળો કહેર

25-11-2011
રેવન્યુ વિસ્તારોમાં વસતા સાવજોનો કાળો કહેર
Bhaskar News, Amreli
http://www.divyabhaskar.co.in/article/SAU-revenue-in-the-black-areas-in-lions-2591011.html



ધારી, સાવરકુંડલા તાલુકામાં સાવજોએ સાત પશુનું મારણ કર્યું

સાવજોની વસતી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આ સાવજો અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં તેનો વ્યાપ વધારતા જાય છે. વાત માત્ર આટલેથી અટકતી નથી પરંતુ આ સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માલધારીઓ અને ખેડૂતોના ઉપયોગી માલઢોરનું મારણ પણ કરતા રહે છે.

પાછલા ૨૪ કલાકમાં ધારી તાલુકાના કોટડા, સાવરકુંડલાના ઠવી અને ભેંકરા ગામની સીમમાં સાવજોએ જુદી જુદી ચાર ઘટનામાં સાત પશુઓનું મારણ કર્યું હતુ. બૃહદ ગીરમાં જેનો સમાવેશ થઇ જાય છે તે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો હવે પશુઓના મારણ કરી કાળો કેર વર્તાવી રહ્યા છે પાછલા ૨૪ કલાકમાં મારણની આવી જુદી જુદી ચાર ઘટના બની છે.

ધારી તાલુકાના કોટડા ગામની સીમમાં બે સાવજોએ અહિંના ગોકળભાઇ હરખાણીની એક પાડીનું મારણ કરી નિરાંતે પોતાનું પેટ ભયું હતુ. આવી જ રીતે ધારી તાલુકાના ઝરપરા ગામની સીમમાં પણ બે સાવજોએ જાફરભાઇના બળદનું મારણ કર્યું હતુ. મારણની અન્ય એક ઘટના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામની સીમમાં બની હતી.

ઠવી ગામની સીમમાં બે સાવજોએ ભાનુભાઇ વાઘેલાના ચાર ઘેંટા મારી નાખ્યા હતા. વળી સાવરકુંડલા તાલુકાના જ ભેંકરા ગામની સીમમાં એક સિંહે મેઘાભાઇ બગડાની એક દુજણી ગાયને મારી નાખી હાહાકાર મચાવ્યો હતો. સાવરકુંડલા, ધારી, ખાંભા, લીલીયા અને અમરેલી તાલુકામાં આ રીતે સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવે છે.

No comments:

Previous Posts