Thursday, April 19, 2012

Lioness in mating kills a man; disturbed by stone throw

19-04-2012
Lioness in mating kills a man; disturbed by stone throw
Divya Bhakar
http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-hunted-by-lion-in-jafrabad-3133019.html

પ્રેમાલાપ કરતા સિંહ યુગલની સળી કરવી યુવાનને પડી ભારે

- સિંહ દર્શન માટે એકઠા થયેલા ટોળામાંથી સિંહણ યુવાનને ઉપાડી ગઇ

- યુવકની લાશના પાંચ ટુકડા મળ્યા

- પ્રેમાલાપ કરતા સિંહ યુગલ પર કોઇએ પત્થર ફેંકતા જ સિંહણ ઉશ્કેરાઇ

- જાફરાબાદના ધોળાદ્રી ગામની સીમમાં બનેલી ઘટના


જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામની સીમમાં આજે બપોરે બાવળની કાંટમાં એક સિંહ યુગલ ગેલ ગમ્મત કરતુ હતુ ત્યારે સિંહ દર્શન માટે ૩૦ થી ૩૫ શખ્સોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતું. જે પૈકી કોઇએ સિંહ પર પત્થરનો ઘા મારતા સિંહણ ઉશ્કેરાઇ હતી અને હુમલો કરી એક યુવકને બાવળની કાંટમાં ઢસડી ગઇ હતી. સિંહણના હુમલાથી અન્ય લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જ્યારે ઉશ્કેરાયેલી સિંહણે યુવકના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં. ઘટનાને પગલે જાફરાબાદ પંથકમાં હાહાકાર મચી ગયો હતો. વન ખાતાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો માણસો પર હુમલો કરી કાળો કેર વર્તાવી રહ્યા છે. આવા હુમલાઓ માટે ઘણી વખત માણસોની ભુલ પણ જવાબદાર હોય છે. આજે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામની સીમમાં ટોળાએ સિંહ યુગલને છંછેડવાની ભુલ કરતા એક દલીત યુવાને પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. ધોળાદ્રી ગામના ભુરા રામભાઇ પરમાર (ઉ.વ. ૩૫) નામના યુવકને સિંહણે લોકોના ટોળા વચ્ચેથી ખેંચી જઇ ફાડી ખાધો હતો અને તેના ટુકડા કરી નાખ્યા હતાં.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના ધોળાદ્રીની સીમમાં આજે બપોરે બાવળની કાંટમાં એક સિંહ યુગલ આવી ચડયુ હતું. જોતજોતામાં આ વિસ્તારમાં વાત ફેલાતા કાળા તડકામાં પણ સિંહ દર્શન માટે લોકો ઉમટવા લાગ્યા હતાં. એવું કહેવાય છે કે અહિં ૩૦ થી ૩૫ શખ્સોનું ટોળુ સિંહ દર્શન માટે એકઠુ થઇ ગયુ હતું. આ સમયે સિંહ યુગલ ગેલ ગમ્મતમાં વ્યસ્ત હતું. દરમીયાન સિંહ દર્શન માટે એકઠા થયેલા ટોળામાંથી કોઇએ કાકરી ચાળો શરૂ કર્યો હતો. એવું કહેવાય છે કે કોઇ શખ્સે સિંહ પર પત્થર ફેંકયો હતો. જેના કારણે સિંહણ એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને તેણે સીધો જ ટોળામાં ઉભેલા ભુરા રામભાઇ પરમાર પર હુમલો કરી દીધો હતો. સિંહણ એકદમ આ યુવકને ઢસડી બાવળની કાંટમાં લઇ ગઇ હતી. જ્યારે અન્ય તમામ લોકો નાસી છુટયા હતાં. આ સિંહણ એટલી હદે ઉશ્કેરાયેલી હતી કે તેણે યુવકના પાંચ ટુકડા કરી નાખ્યા હતાં. ગભરાયેલા ગામલોકો દ્વારા તુરંત વન વિભાગનેે જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સ્ટાફે બાવળની કાંટમાં જઇ તપાસ કરતા યુવકના ટુકડા મળી આવ્યા હતાં. મૃતક યુવાન હિરા ઘસવાનું કામ કરતો હતો અને આજે કારખાનામાં રજા હોવાનું ઘરે હોય બપોરના સમયે સિંહ જોવા ગયો હતો. ઘટનાને પગલે જાફરાબાદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

સિંહ લોકોની સામે અડીખમ ઉભો રહ્યો :

અહિં સિંહણ ભુરા પરમાર પર હુમલો કરી તેને બાવળની કાંટમાં ઢસડી ગયા બાદ સિંહ જાણે ચોકીપેરો કરતો હોય તેમ ખુલ્લી જગ્યામાં સામે અડીખમ ઉભો રહ્યો હતો. જેને પગલે ભાગીને દુર ગયેલા લોકો ફરી નજીક જઇ ભુરા પરમારને બચાવવાની હિંમત પણ કરી શક્યા ન હતાં.

કાળઝાળ ગરમીમાં સિંહણે મગજનો પારો ગુમાવ્યો :

બપોરના અઢી વાગ્યાની કાળઝાળ ગરમીમાં સિંહ યુગલ બાવળના છાંયડે બેઠુ હતુ પરંતુ આકરા તાપના માહોલમાં લોકોએ છંછેડતા સિંહણે મગજનો પારો ગુમાવ્યો હતો. અને એકદમ ઝનુની બની ભુરા પરમાર પર તુટી પડી હતી.

યુવકની લાશના ટુકડા જાફરાબાદ દવાખાને લવાયા :

વન તંત્રની તપાસ દરમીયાન સાંજે સિંહણ બાવળની કાંટમાંથી દુર ચાલી ગઇ હતી અને તે સ્થળે ભુરા પરમારના શરીરના જુદા જુદા પાંચ ટુકડા છુટા છવાયા વખિરાયેલા પડ્યા હોય વન તંત્રએ તેને ગાંસડીમાં બાંધી પોસ્ટ મોર્ટમ માટે જાફરાબાદ દવાખાને લાવતા ભારે કરૂણાના દ્રશ્યો સર્જાયા હતાં.

પ્રેમાલાપ વખતે સાવજને છંછેડવો જોખમી :

સિંહ યુગલને સમાગમ વખતે કે પ્રેમાલાપ વખતે છંછેડવુ ભારે જોખમી બની જાય છે. આવા સમયે વન વિભાગનો સ્ટાફ પણ સાવજોથી દુર રહે છે. પરંતુ આ વાતથી અજાણ લોકો ક્યારેક સિંહ યુગલની નજીક જવાની હિંમત કરી બેસે છે. જેના માઠા પરિણામો ભોગવવા પડે છે. ધોળાદ્રીમાં પણ આવું જ થયાનું કહેવાય છે.

No comments:

Previous Posts