Sunday, April 08, 2012

Fire in Kankrach (Greater Gir)

08-04-2012
Fire in Kankrach (Greater Gir)
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-fire-in-kankrach-forest-liliya-3080125.html?OF12=

સાવજના કાયમી રહેઠાણ ક્રાંકચના જંગલમાં ભીષણ દવ


એક જ માસમાં ત્રીજી ઘટના : બે હજાર વિઘા જંગલનો સફાયો

સાવજોએ જ્યાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે એ લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમનું જંગલ ચાલુ મહીનામાં ત્રીજીવાર સળગી ઉઠ્યુ છે. આજે સવારે અહીંના સૌથી ગાઢ જંગલમાં ભીષણ દવ ભભૂકી ઉઠ્યો હતો. જે મોડી સાંજ સુધી કાબુમાં નહોતો આવ્યો. અત્યાર સુધીના આ સૌથી મોટા દવમાં આશરે બે હજાર વિઘા જેટલો જંગલ વિસ્તાર નાશ પામ્યો હતો. વળી આ વિસ્તારમાં ૧૨ સાવજોનો વસવાટ છે. આથી કૃતિ પ્રેમીઓ ચિંતીત બન્યા હતાં. જ્યારે વન વિભાગનો સ્ટાફ અહીં ડોકાયો પણ નહોતો.

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં નાળીયેરો, તળી અને બેલુ વિસ્તાર તરીકે ઓળખાતા જંગલમાં આજે સવારે આશરે અગીયારેક વાગ્યાના સુમારે ભીષણ દવ ભભૂકી ઉઠ્યો હતો.આ જંગલ આ વિસ્તારનું સૌથી ગાઢ જંગલ છે. પાછલા આઠેક વર્ષથી અહીં વૃક્ષોનું કટિંગ ન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે બાવળની કાંટ અને ઘાસનું અડાબીડ જંગલ જામ્યું છે. આગ જોતજોતામાં ચારે દિશામાં પ્રસરી ગઇ હતી. જેને પગલે ખુબ મોટા વિસ્તારમાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો.

મોડી સાંજ સુધીમાં અહીં બે હજાર વિઘા કરતાં વધુ વિસ્તારમાં આગ પ્રસરી ગઇ હતી. મોડી સાંજે પવન નીકળતાં દવનું સ્વરૂપ વધુ વિકરાળ બન્યું હતું. દવને કાબુમાં લેવા કોઇ જ પ્રયાસો થઇ રહ્યા ન હોઇ આગ વધુને વધુ ફેલાતી જતી હતી. અને મોડી રાત સુધીમાં વધુ વિસ્તારને આવરી લે એવું જણાતું હતું. અહીં સરકારી ખરાબો તથા ખાનગી માલીકીની વીડીઓ આવેલી હોઇ વનતંત્રે આગ ઠારવાનો કોઇ પ્રયાસ તો ઠીક વન વિભાગનો સ્ટાફ અહીં ડોકાયો પણ નહોતો. આ વિસ્તારમાં ૧૨ થી વધુ સાવજોનો વસવાટ હોવા છતાં વનતંત્રની ઘોર નિષ્કાળજી ઉડીને આંખે વળગતી હતી.

મોડી સાંજે લીલીયાના મામલતદાર અહીં દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આગના લબકારા દૂરથી નિહાળી સાવજો ડણક દેતા સંભળાતા હતાં. મોટી સંખ્યામાં લોકો અહીં દવ નિહાળવા એકઠા થયા હતાં. એક મહીનામાં જ અહીં આગની ત્રીજી ઘટના બની છે. હિત ધરાવતા તત્વો જાણી જોઇને અહીં આગ લગાડતા હોવાની ચર્ચાઓ ઉઠી છે.

દોઢ માસ પહેલા જન્મેલા બે સિંહબાળ મૃત્યુ પામ્યા ?

આ વિસ્તારમાં એક સિંહણે દોઢ માસ પહેલાં બે બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બચ્ચાંનો જ્યાં વસવાટ હતો તે વિસ્તારમાં જ દવ લાગ્યો હોઇ સ્થાનીક પ્રકૃતિ પ્રેમીઓ આ દવમાં બન્ને બચ્ચાં મોતને ભેટયા હોવાનું માની રહ્યા છે. કારણ કે સિંહણ તો દવથી બચી શકી હોઇ શકે. પરંતુ દોઢ માસનાં બચ્ચાં હરીફરી પણ ન શકતા હોઇ તેનો બચાવ થયો હોય તેવી કોઇ શક્યતા નથી.

No comments:

Previous Posts