Sunday, March 11, 2012

Sutrapada leopard killed child girl

11-03-2012
Sutrapada leopard killed child girl
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-sutrapada-leopard-killed-child-girl-2958377.html?OF2=

દીપડાઓના ઉપરાછાપરી હુમલા, બાળકીને ફાડી ખાધી


ખાંભાની સીમમાં બનેલો બનાવ : માતાની સોડમાંથી ઉપાડી ગયો

સુત્રાપાડા પંથકમાં આદમખોર દીપડા કાળો કેર વર્તાવી રહ્યા હોય તેમ ઘંટીયા ગામની ઘટના હજુ લોકોના માનસમાંથી ભુલાઈ નથી ત્યાં વધુ એક બનાવમાં ખાંભા ગામની સીમમાં માતાની ગોદમાં સુતેલી બાળકીને ઉપાડી જઈ તેને ફાડી ખાતા હાહાકાર મચી જવા પામ્યો છે.

આ અંગેની મળતી વિગત મુજબ સુત્રાપાડાના પ્રાંચીતીર્થ નજીક ખાંભા ગામની સીમમાં કૌશીકભાઈ જગમાલભાઈ વાઢીયાના ખેતરમાં શેરડી કટાઈના કામ માટે આવેલા મધ્યપ્રદેશનાં શ્રમિક પરિવારો ઝુંપડા બાંધીને રહે છે.

દરમિયાન મધ્યરાત્રિના બે વાગ્યાની આસપાસ સોહનભાઈ માંગુભાઈની એક વર્ષની પુત્રી સપના તેની માતાની ગોદમાં ભરનિંદ્રામાં સુતી હતી ત્યારે દીપડાએ ઝુંપડામાં દબાતે પગલે આવી સપનાને જડબામાં દબોચી લેતાં બાળકીની રાડારાડીથી ત્યાં સુતેલા શ્રમિક પરિવારો જાગીને બચાવવાની કોશીશ કરે તે પૂર્વે જ બાળકીને ઉપાડીને નાસી ગયો હતો અને વહેલી સવારનાં સુમારે નજીકના એક શેરડીનાં વાડમાંથી બાળકીનું અડધું શરીર, એક પગ, બીજા પગનો ટુકડો સહિતના અવશેષો મળી આવતા શ્રમિક પરિવાર આઘાતમાં હતપ્રભ બની ગયો હતો. આ ઘટનાનાં પગલે આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આવા માનવભક્ષી દીપડાઓનાં ત્રાસમાંથી લોકોને છોડાવવા વનવિભાગ સત્વરે કાર્યવાહી કરે તેવી તાલાલાનાં ઘારાસભ્ય ભગવાનભાઈ બારડને રજુઆત કરી છે.

માનવભક્ષી દીપડાને પકડવા બે પાંજરા મૂકાયા

આ ઘટનાનાં પગલે વનવિભાગ જુનાગઢનાં ડીએફઓ આરાધના સાહુ ખાંભા ગામે દોડી ગયા હતા. માનવભક્ષી દીપડાને પકડવા બે સ્થળોએ પાંજરા ગોઠવી સ્ટાફે કવાયત હાથ ધરી છે. શ્રમિકોને સાવધાની રાખવા અને સતર્ક રહેવા ડીએફઓએ જણાવ્યું હતું.

ઘંટિયા ગામે પણ બાળકીને ફાડી ખાધી'તી

ખાંભા ગામની નજીક એક કિ.મી.ના અંતરે આવેલા ઘંટીયા ગામે પણ થોડા સમય પહેલાં દીપડાએ એક બાળકીને ફાડી ખાધી હતી. સુત્રાપાડા પંથકમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવજીંદગીને મોતને ઘાટ ઉતારી દીધાનાં બનાવો વધતા જતાં હોય લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે.

પાંજરે પૂરાતા દીપડાઓ મૂળ સ્થાને પહોંચી જાય છે

વનવિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાય છે અને ત્યાં રૂટીન ચેકઅપ કરી મુકત કરી દેવાતાં હોવાથી આ વન્ય પ્રાણીઓ તેના મૂળ સ્થાને પરત પહોંચી જાય છે તેમ લોકો આક્રોશ સાથે કહી રહ્યાં છે.

શ્રમિક વર્ગમાં વન્ય પ્રાણીઓનાં આતંકથી ભયનો માહોલ

સુત્રાપાડા તાલુકામાં શેરડી-કપાસ સહિતનાં પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હોય અન્ય રાજ્યનાં લોકો મજૂરી કામ અર્થે અહીં આવે છે. પરંતુ વન્યપ્રાણીઓનાં હુમલાનાં બનાવોથી ગોળનાં રાબડામાં કામ કરતા શ્રમિકોએ તો કામધંધા પર જવાનું બંધ કરી દીધું છે. અને વનવિભાગ દ્વારા તાકીદે કોઈ પગલા ભરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં શ્રમિકો કામે આવવાનું જ બંધ કરી દેશે.

No comments:

Previous Posts