Wednesday, May 16, 2012

Lioness with 8 cubs enter farmers house at Umedpara in Satadhar range near Una town

16-05-2012
Lioness with 8 cubs enter farmers house at Umedpara in Satadhar range near Una town
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-old-man-gets-injury-by-cubs-of-lion-3270665.html


 
આઠ સિંહબાળ સાથે સિંહણ ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં ઉત્તેજના
- અગાશીમાં આંટાફેરા કર્યા બાદ ખેડૂતનાં પગમાં ઇજા પહોંચાડી
- ૮ બચ્ચા સાથે સિંહણ ખેડૂતના ઘરમાં ઘુસતા એક કલાક સુધી ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા: ખેડૂતને ઈજા
જંગલની સરહદ પાસે આવેલા ઉમેદપરા ગામે ગત રાત્રે આઠ સિંહબાળ સાથે એક સિંહણ એક ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સિંહબાળોએ એક કલાક સુધી ઘરને ધમરોળ્યું હતું અને તે દરમિયાન પાલતુ પશુઓનો શિકાર કરવાની કોશિશ કરી ખેડૂતને ઈજા પણ પહોંચાડી હતી.

ઊના તાલુકાનાં ઉમેદપરા ગામે ગતરાત્રિનાં ૩ સિંહણ અને ૮ સિંહબાળનો પરિવાર સીમમાં આવી ચઢયો હતો. એક ગાયનું મારણ કરી તેની મીજબાની માણી હતી. રાત્રિનાં અઢી વાગ્યે મારણ પૂરું કર્યા બાદ બે સિંહણ અને ૮ સિંહબાળ જાણે કે 'નાઇટ વોક' કરવા નીકળી પડયા હતા. મધરાતે ઉમેદપરાની સુમસામ બજારમાંથી આ 'રાજવી' પરિવાર પોતાનાં અસલી ઠાઠથી નીકળ્યો હતો.

સિંહબાળ પણ ભરપેટ ભોજન બાદ પોતપોતાની મસ્તીમાં ગામનાં રામજી મંદિરની પાછળની તરફ રહેતા દેવજીભાઇ ગોરધનભાઇ વઘાસીયાનાં ઘર પાસેથી પસાર થયા. સિંહ પરિવાર ગામમાં આવ્યાની જાણ થતાં દેવજીભાઇએ પોતાનાં પરિવારને બાજુનાં ઘરમાં મોકલી આપ્યો હતો. સિંહ પરિવાર દેવજીભાઇનાં ઘર તરફ ગયાની જાણ થતાં નજીકમાં જ રહેતા તેમનાં સંબંધી આંબાભાઇ રાણાભાઇ દોંગા દેવજીભાઇને ઘેર પહોંચી ગયા હતા.

સિંહ પરિવાર દેવજીભાઇનાં ઘરનાં ફળિયામાં ઘૂસ્યો હતો. થોડીવાર આંટા માર્યા બાદ સિંહણ અને ૪ સિંહબાળ બહારી નીકળી ગયા હતા. જ્યારે બાકીનાં ચાર સિંહબાળ ફળિયામાંથી તેનાં ઘરમાં પ્રવેશ્યો હતો. ફળિયાની બાજુમાં ઢોર બાંધેલા હોઇ તેમનાં રક્ષણ માટે આંબાભાઇ, દેવજીભાઇ અને તેમનો પુત્ર ભરત ઢોરવાડિયાની ફરતે ઉભા રહી ગયા હતા.

જોકે, સિંહ બાળ ખુબજ નાના હતા. છતાં શિકાર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન અગાશીમાંથી અચાનકજ દોટ મૂકી એક સિંહબાળે આંબાભાઇનાં ડાબા પગનો પંજાનો ભાગ પકડી લેતાં નજીકમાં ઉભેલા દેવજીભાઇ અને ભરત હાકલા પડકારા કરતા દોડી આવતા સિંહબાળે આંબાભાઇને છોડી દીધા હતા.

આ સિંહ પરિવાર ફરેડાની વીડીમાં વસવાટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ૮ સિંહ બાળ હોવાથી વનવિભાગ પણ ઉમેદપરા દોડી ગયો હતો. એક સિંહ બાળ તો સ્ટાફનાં પગ પાસેથી જાણે કે ગલુડિયું પસાર થતું હોય એમ પસાર થઇ ગયું હતું. સિંહ પરિવાર એકાદ કલાક ઉમેદપરામાં રોકાયો હતો. સવાર થતાં જ આખો પરિવાર ફરી પોતાનાં 'સ્વસ્થાને' સીધાવ્યો હતો.

ખેડૂત થાંભલે ચડી ગયા

ઉમેદપરાથી સિંહબાળ હરમળિયા રોડ પર જાદવભાઈ અરજણભાઈ ગઢિયાની વાડીએ પહોંચ્યા હતા. ત્યા એક સિંહબાળે દોટ મુકતા જાદવભાઈ બચવા માટે થાંભલે ચડી ગયા હતા. વાડીમાં અન્ય કોઈ હાજર ન હોવાથી સિંહબાળને દૂર કરે તેવું કોઈ નહોતું. ૨૦ મિનિટ એ રીતે પસાર કર્યા બાદ સવારે ૭:૩૦ વાગ્યે તડકો થતાં સિંહબાળ રવાના થયું પછી જાદવભાઈ નીચે ઉતર્યા હતા.

સિંહબાળોને લેવી હતી શિકારની ટ્રેનિંગ

ચારેય સિંહબાળો દેવજીભાઇનાં નાનાભાઇ સવજીભાઇનાં ઢોરવાડા તરફ ગયા. જ્યાં બે બળદ અને એકગાય હતી. એક સિંહબાળ ધીમે રહીને શિકાર કરવો હોય તેમ ગાયની સામે બેસી ગયું. ગાય સાવચેત થઇ ગઇ. સિંહ બાળ નજીક આવતા જ માથું હલાવી જાણે કે તેને ચેતવણી આપવા લાગી. થોડીવાર આ ખેલ ચાલ્યા બાદ સિંહ બાળ ઘરની બહાર નીકળી ગયો. અને સીમ તરફ ચાલ્યો ગયો.

નાનું પણ સિંહનું બચ્ચું હોં : આંબાભાઇ

ઇજાગ્રસ્ત આંબાભાઇએ હોસ્પિટલનાં બિછાનેથી જણાવ્યું હતું કે, સિંહનું બચ્ચું મારો પગ મોઢામાં લઇ જ ેતાકાત બતાવતું હતું. તેથી હું જમીન પર પટકાયો હતો. ત્યારપછી યે તે જે જોર બતાવતું હતું એ તો એક સિંહબાળ જ કરી શકે. જો મોટો સિંહ હોત તો મારું શું થાત એ વિચારીને કંપારી છૂટી ગઇ હતી. તેમણે કહ્યું હતું કે, મેં એક નહીં અનેક વખત સિંહ જોયા છે ઘણી વખત વાડીએ સુતો હોઉ ત્યારે નજીકથી પસાર થઇ જાય,પરંતુ સિંહબાળે પ્રથમ વખત મારી ઉપરહુમલો કર્યો છે.

આરએફઓ શું કહે છે ?

ઇજાગ્રસ્ત આંબાભાઇને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલ ત્યારે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આહિરે જણાવ્યું હતું કે, સિંહણ પોતાના બચ્ચાનું નરસિંહથી રક્ષણ કરવા સલામત સ્થળે પહોંચી જતી હોય છે.

બીજા ઘરમાં પણ 'ચેકિંગ' કર્યું

સિંહબાળો જાણે કે કોમ્બિંગ કરવા આવ્યા હોય તેમ ઉમેદપરાના પોપટભાઈ મુળુભાઈ વિરાણીના ઘરમાં પણ ઘૂસ્યા હતા અને ઘરના રસોડામાં તથા બાથરૂમમાં આંટા મારી અને બાદમાં વિદાય લીધી હતી.

તમામ તસવીરો જયેશ ગોંદીયા, ઉના


1 comment:

Sneha Honnappa said...

Hi,

I'm a follower of your blog. It will be great if you can translate these articles to English, for people who do not understand the language

Cheers!

Previous Posts