Tuesday, April 16, 2013

Supreme court orders shifting of Gir lions to Madhya Pradesh

15-04-2013
Supreme court orders shifting of Gir lions to Madhya Pradesh
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/NAT-asiatic-lions-to-be-relocate-at-madhya-pradesh-from-gir-4236155-NOR.html?HT1=

- સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી કેટલાક સિંહમધ્યપ્રદેશમાં ખસેડવાની મંજુરી આપી

સિંહોના અસ્તિત્વ પર જોખમ તોળાઇ રહ્યું હોવાથી સિંહોને બીજા ઘરમાં વસાવવાની આવશ્યકતા હોવાનું કહેતાં સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાંથી કેટલાક સિંહોને મધ્યપ્રદેશમાં વસાવવા મંજુરી આપી દીધી છે. ન્યાયમુર્તિ કે.એસ.રાધાકૃષ્ણન અને સી.કે.પ્રસાદની બનેલી બેન્ચે સિંહોને મધ્યપ્રદેશમાં પણ વસાવવા માટે વન્ય જીવન વિભાગના સત્તાવાળાને છ મહિનાનો સમય આપ્યો છે. ગુજરાતના  એશિયાટિક સિંહોના ગીર અભયારણ્યમાં હાલ ૪૦૦ સિંહોની વસતી છે.

મધ્યપ્રદેશ સરકારે તેના કુનો પાલપુર અભયારણ્યમાં સિંહોના વસવાટ યોગ્ય  સંપૂર્ણ પર્યાવરણકીય વ્યવસ્થા હોવાનું જણાવીને ગુજરાતના સિંહોને જોખમથી બચાવવા મધ્યપ્રદેશમાં વસાવા ગયા વર્ષે માગણી કરી હતી. મધ્યપ્રદેશમાં સિંહોને વસાવવાની માગણી સાથે જાહેર હિતની અરજી થઇ હતી. ગુજરાત સરકાર તે સામે કાનૂની લડત આપી રહી હતી.

શું હતી મધ્યપ્રદેશ સરકારની દલીલ?

સિંહોને ખસેડવાના મુદ્દા પર ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો સામે-સામે આવી ગઈ હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જંગ જામ્યો હતો. મધ્યપ્રદેશ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કુનો પાલપુર અભ્યારણ્યમાં સિંહોના પુનઃવસન માટે અને પુનઃસ્થાપન માટે પૂરતી વ્યવસ્થા છે. મધ્યપ્રદેશમાં સિંહોના વસવાટ માટે માળખું, પર્યાવરણીય નિપુણતા સહિતની બાબતોમાં તૈયારી થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચરના કહેવા પ્રમાણે, ગીરમાં વસતા એશિયાઈ સિંહોનાં અસ્તિત્વ પર જોખમ ઝળુંબે છે. તેમને કુનો ખસેડવા જોઈએ, કારણ કે ગુજરાતના એક છેવાડાના સ્થળમાં બહુ થોડી જગ્યામાં બહુ થોડી સંખ્યામાં સિંહો વસે છે. કોઈપણ રોગચાળાના સંજોગોમાં સમગ્ર પ્રજાતિ પર જોખમ ઊભું થઈ શકે છે.

કુનોનું વાતાવરણ એશિયાઈ સિંહો માટે અનુકૂળ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ સરકારે ગુજરાતની દલીલોનો છેદ ઉડાડવા, કોર્ટ સમક્ષ નિષ્ણાતોના અભિપ્રાયને મુક્યા હતા,  જેમાં જણાવ્યું હતું કે, આ જંગલી પ્રાણીઓ એક સાથે રહી શકે છે.

શું હતી ગુજરાત સરકારની દલીલ?

ગુજરાત સરકારે દલીલ આપી હતી કે, પન્ના વિસ્તારમાં મધ્યપ્રદેશ સરકાર વાઘોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે, ત્યારે સિંહોને ત્યાં ખસેડવા યોગ્ય નહીં હોય. સંભવતઃ સિંહોની હાલત પણ એવી જ થશે. સિંહોને ખસેડવા સામે ગુજરાત દ્વારા દલીલ આપવામાં આવી હતી કે, સિંહો, વાઘ અને ચિત્તા એક સાથે રહી ન શકે.

ગુજરાત તરફથી સ્થળાંતરના પ્રસ્તાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સૂચન પ્રમાણે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવનારાં ચિત્તાને કુનો પાલપુર અભ્યારણ્યમાં ફાવી જાય તે માટે તેમને પુરતો સમય આપવો જોઈએ અને ત્યારબાદ જ સિંહોને ખસેડવા અંગે નિર્ણય લેવો જોઈએ. અન્યથા સિંહો ચિત્તાને જીવવા નહીં દે. બંને પ્રાણીઓ શિકાર કરતાં અને હિંસક પ્રાણીઓ હોવાથી તત્કાળ ધોરણે સિંહોને જગ્યા શોધવી મુશ્કેલ બનશે.

ગુજરાત સરકારના વકીલ દ્વારા વાઈલ્ડ લાઈફ ઈનસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના આંકડાને ટાંકવામાં આવ્યા હતા, જેના તારણ પ્રમાણે મધ્યપ્રદેશમાં વાઘોની વસ્તીમાં ઘટાડો થતો રહ્યો છે. વર્ષ 2002માં મધ્યપ્રદેશમાં 25 વાઘ હતા, જ્યારે વર્ષ 2009માં એક પણ વાઘ બચ્યાં ન હતાં. જો કે, મધ્યપ્રદેશ સરકારે દાવો કરેલો કે,  ત્યાં 16 વાઘ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના અગાઉના અનેક ચુકાદાને ટાંક્યા છે, જ્યાં કોર્ટે એવું ઠેરવ્યું છે કે, આ રીતે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાનું કામ કોર્ટના આદેશોથી નહીં, પરંતુ નિષ્ણાતોના અભિપ્રાયથી થવું જોઈએ.

ગુજરાતમાં સિંહોની સ્થિતિ

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં કુલ 92 સિંહો મૃત્યુ પામ્યા છે. તેમાંથી 83 સિંહોનું કુદરતી મોત થયું હતું, જ્યારે એક પણ સિંહનું મોત શિકારને કારણે થયું ન હતું. નવ સિંહોનાં મોત કુવામાં પડી જવાને કારણે થયાં હતાં. વર્ષ 2010ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 411 સિંહો હતા, જે વર્ષ 2005ની ગણતરી પ્રમાણે 359 હતા.

- આફ્રિકી ચિત્તાને ભારત લાવવા ફરમાવી ના

સુપ્રીમની બેન્ચે જોકે નામિબિયાથી  આફ્રિકી ચિત્તાને લાવીને  ભારતમાં વસાવવા ના ફરમાવી હતી. અદાલતનું કહેવું હતું કે તેમ કરવા જતાં પોતાના જીવન પર ખતરાનો સામનો કરી રહેલા જંગલી પાડા અને ભારતીય શાહમૃગ જેવા પક્ષીઓના જીવન પર ખતરો વધશે. પર્યાવરણ અને જંગલ મંત્રાલયે રૂપિયા ૩૦૦ કરોડની ચિત્તા પુન:વસન યોજના ઘડી કાઢી હતી. તે યોજના અંતર્ગત નામિબિયામાંથી ભારતમાં આફ્રિકી ચિત્તા લાવીને વસાવવાની યોજના હતી. પરંતુ ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી વખતે આફ્રિકી ચિત્તાને ભારતમાં લાવવાનો મુદ્દો પણ અદાલતમાં ઉઠાવવામાં આવ્યો હતો. સંખ્યાબંધ પર્યાવરણવિદોએ આફ્રિકી ચિત્તાને ભારતમાં વસાવવા સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ચિત્તાને ભારત લાવવાની યોજનાને વન્યજીવન રાષ્ટ્રીય બોર્ડની મંજુરી પણ મળી નથી.

- એ બધું જે તમે જાણવા માગો છો

શા માટે : સિંહોની સુરક્ષા માટે અને એક અલગ 'જીન પુલ' ઊભું કરવા માટે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દર્શાવાયું છે કે હવે માત્ર થોડાક જ એશિયન સિંહ રહ્યા છે અને સુરક્ષા તેમજ ઉછેરને સુધારવા માટે આ સિંહોમાંથી થોડાકને ભૌગોલિક રીતે અલગ કરવા જોઇએ. આ આધાર પર સિંહોને ખસેડવાની માગણી કરાઇ છે.

કેવી રીતે : નિષ્ણાત સમિતિ સિંહોને શિફ્ટ કરતા પહેલાં તેના 'લોજિસ્ટિકસ' અંગે નિર્ણય કરશે. પ્રાણીઓની ફેરબદલ અથવા એક્સ્થળેથી બીજા સ્થળે સ્થાયી કરવા માટે આઇયુસીએન દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદિર્શકા નક્કી કરવામાં આવી છે. જેનું પાલન થવું જોઇએ.
વિવાદ : ગીરના સિંહોનો મુદ્દો ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. બન્ને ભાજપ શાસિત રાજ્ય છે. ગીરના સિંહોને અન્ય કોઇ રાજ્યમાં ખસેડવા નહિ દેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આક્રમક વલણ અપનાવ્યું છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે વૈજ્ઞાનિક કારણો અને સચોટ ચિંતાઓ રજુ કરવા કરતા લાગણી આધારિત આક્રમક વલણ ગુજરાત સરકારે અપનાવ્યું તે આ કેસ ગુમાવવાનાં મુખ્ય કારણોમાંનું એક છે.
ચિંતા : મધ્યપ્રદેશમાં સિંહોની સુરક્ષા મુખ્ય ચિંતા. કેમ કે, સિંહોનો શિકાર કરવા બદલ ગુજરાતમાં જેટલા શિકારીઓ પકડાયા છે તેમાંથી મોટાભાગના મધ્યપ્રદેશમાંથી આવ્યા હતા. આથી, વન અધિકારીઓ અને નિષ્ણાતો માને છે કે  મધ્યપ્રદેશમાં આ સિંહોને સરળતાથી નિશાન બનાવી શકાશે.

-  ગુજરાતનું આક્રમક વલણ શા માટે?

મધ્યપ્રદેશમાં તો ૧૯મી સદીમાં છેલ્લો સિંહ ખતમ થઇ ગયો હતો. પણ, ગીરના સ્થાનિક લોકોની સહનશીલતાએ સિંહોનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.  શાકાહાર પ્રત્યેની વફાદારી અને સિંહો માટે પોતાના પ્રાણસમાન પશુઓનો ભોગ આપવાની તૈયારી સહિત ગીરના સ્થાનિક લોકોમાં જે સામાજિક મૂલ્યો છે તેનો કૂનો પાલપુર વિસ્તારમાં અભાવ છે.
 

No comments:

Previous Posts